News Details

Share this page

ઉત્તરાર્ધ મહોત્‍સવ મોઢેરા ૨૦૧૭

ઉત્તરાર્ધ મહોત્‍સવ મોઢેરા ૨૦૧૭
January 30, 2017

ઘૂંઘરુના ઝણકાર અને નર્તનથી સર્જાયો કર્ણપ્રિય અને નયનરમ્‍ય નજારો.

પ્રાચીન નગરી મોઢેરા અને અદ્ભુત સ્‍થાપત્‍ય કલા અર્ચના અને શાસ્‍ત્રીય નૃત્‍યનો નગર ઉત્‍સવ ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા શિલ્‍પ, સ્‍થાપત્‍ય, સંસ્‍કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્‍સવ યોજાય છે.

વિશ્વપ્રસિધ્‍ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં ઘૂંધરુના નાદ, નર્તન અને વાદનથી નયનરમ્‍ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્‍ત્રીય નૃત્‍ય પર્વ દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્‍સવનો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો.

મહેસાણા જિલ્‍લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯ર ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, જિલ્‍લા વહીવટીતંત્ર અને વેસ્‍ટઝોન કલ્‍ચરલ સેન્‍ટર ઉદયપુર દ્વારા આ મહોત્‍સવનું આયોજન કરાયું હતું.

મોઢેરા ઉત્તરાર્ધ મહોત્‍સવના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે, સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગરૂપે ઉત્તરાર્ધ મહોત્‍સવ યોજવામાં આવે છે. સૂર્યની પૂજા સાથે સંકળાયેલ આ મહોત્‍સવ સૂર્યંવંદનાનો મહત્ત્વ આપે છે. આ મહોત્‍સવ કલામય સ્‍વરૂપનું રસપાન કરવા કલારસિકો, દેશ-વિદેશના લોકો મહોત્‍સવનો રાજ્યના ભવ્‍ય વારસાને અને સ્‍થા૫ત્‍યને વિશ્વભરમાં યશસ્‍વી અને ગૌરવપ્રદ બનાવે છે. મહોત્‍સવે રાજ્યની સંસ્‍કૃતિને વધુ ઉન્‍નીત સ્‍વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે.

મોઢેરા ઉત્તરાર્ધ મહોત્‍સવના પ્રથમ દિવસે શ્રી રમા વૈધનાથન (દિલ્‍હી), શ્રી શાલુ મેનન (કેરાલા), શ્રીકિન્‍નરી વોરા (ગાંધીનગર), શ્રી બીનલ વાલા (અમદાવાદ) નૃત્‍યાંગનાઓએ ભરત-નાટ્યમ્ નૃત્‍ય રજૂ કર્યું હતું. ભારતના શિષ્ટનૃત્‍યો પૈકી ભરતનાટ્યમ; નૃત્‍યનો ઉદ્ભવ દક્ષિણ ભારતમાં થયો છે. ભરત મુનિએ નાટ્યશાસ્‍ત્ર રચ્‍યું તેમાંથી ભરતનાટ્યમ્ શૈલીની રચના થઇ છે. દક્ષિણ ભારતના મંદિરોના નૃત્‍ય મંડપોમાં દેવદાસીઓ નિયમિત રીતે નૃત્‍ય રતી હતી. આ નૃત્‍યના વારસાને રુકમણી અરુંડલે, બાલા સરસ્‍વતી અને ઉદયશંકર જેવા નૃત્‍યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખી છે.

નૃત્‍ય એટલે આત્‍માનું સંગીત, નૃત્‍યનો હેતુ સનાતન સત્‍યોની સૌંદર્ય દ્વારા પ્રતીતિ કરાવવાનો છે. આપણા સાંસ્‍કૃતિક નૃત્‍યો પવિત્ર સ્‍વરૂપમાં જળવાઇ રહ્યાં છે. મોઢેરા સંગીત, નર્તન અને સ્‍થાપત્‍યના ત્રિવેણી સંગમનું મહોત્‍સવના દિવસે સાક્ષી બન્‍યું હતું. વિશ્વનું અદ્ભુત સ્‍થાપત્‍ય બેનમૂન મોઢેરા સૂર્યમંદિરે સાંસ્‍કૃતિક પરંપરા નીરંતર જાળવી રાખી છે.

ભરતનાટ્યમ્ ના સુપ્રસિદ્ધ નૃત્‍યકાર રમા વૈધનાથને જણાવ્‍યું હતું કે, મોઢેરા સૂર્યમંદિરની સામે નૃત્‍ય કરવું મારી મોટી ઉપલબ્‍ધિ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતી આવતી આ પરંપરા નવીન નૃત્‍યકારોને પ્રોત્‍સાહિત કરે છે. ભરતનાટ્યમનું સુપ્રસિદ્ધ નૃત્‍ય અર્ધનારેશ્વર અષ્‍ટકમથી શરૂ કરીને તિલ્‍લાના નૃત્‍ય બાદ વંદે માતરમથી પૂર્ણ કરાયું હતું.

ઉત્તરાર્ધ મહોત્‍સવના સમાપનમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્‍થિત રહ્યા હતા. મંત્રી એ જણાવ્‍યું હતું કે, સૂર્યની પૂજા સાથે સંકળાયેલ ઉત્તરાર્ધ મહોત્‍સવ આજે દેશ વિદેશમાં ખ્‍યાતિ પામ્‍યો છે.

ઉત્તરાર્ધ મહોત્‍સવ એ સૂર્યની પૂજા સાથે સંકળાયેલો ઉત્‍સવ છે. દેશમાં કાશ્‍મીરનું માર્કડ મંદિર, કોણાર્કનું સૂર્યમંદિર અને મોઢેરાનું સૂર્યમંદિર જાણીતાં છે. રાજ્યની સંસ્‍કૃતિ અને સંસ્‍કારોનું આદાનપ્રદાન અને સંગીત નૃત્‍ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્‍સવ ઉજવવામાં આવે છે.

ઉત્તરાર્ધ મહોત્‍સવના સમાપનના દિવસે શ્રી રમા શીકાન્‍ત (વડોદરા), શ્રી સ્‍મૃતિ વાઘેલા (વડોદરા) દ્વારા ભરતનાટ્યમ્ નૃત્‍ય રજૂ થયું હતું. તેમજ રી મીનુ ઠાકુર (દિલ્‍હી) દ્વારા કુચીપુડી અને શ્રી બરખા પટેલ (ન્‍યૂયોર્ક – અમેરિકા) દ્વારા કથ્‍થક નૃત્‍ય રજૂ થયું હતું. તેમજ શ્રી મીનુ ઠાકુર (દિલ્‍હી) દ્વારા કુચીપુડી નૃત્‍યનો ઉદય આંધ્રપ્રદેશમાં થયો છે. આ નૃત્‍યશૈલી આંધ્રપ્રદેશના કુચીપુડી ગામમાં થઇ છે. કુચીપુડી નૃત્‍યશૈલીમાં શૃંગારને પ્રાધાન્‍ય આપ્‍યું છે. જે પુરૂષપ્રધાન અને બહુપાત્રીય છે. દિલ્‍હીના મીનુ ઠાકરે કુચીપુડી નૃત્‍ય રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં ન્‍યૂયોર્ક અમેરિકાના કલાકાર બરખા પટેલે કથ્‍થક નૃત્‍ય રજૂ કર્યું હતું.

મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યની અતિપ્રાચીન સંસ્‍કૃતિનું ઉત્તમ પ્રતીક છે. મોઢેરાના સૂર્યમંદિરના શિલ્‍પોમાં કોતરાયેલી કવિતા નૃત્‍યોના તાલે પ્રસિદ્ધ કલા દ્વારા પ્રસ્‍તૃત થઇ હતી. ઉત્તરાર્ધ મહોત્‍સવમાં સાંસદ શ્રી જયશ્રીબેન પટેલ, રમત ગમત અને યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચીવ શ્રી મનિષ ભારદ્વાજ, આયોજન અગ્રસચિવ શ્રી એસ. અપર્ણા, જિલ્‍લા કલેક્ટર શ્રી લોચન સેહરા, રમત-ગમત પ્રવૃત્તિઓના કમિશ્નર શ્રી જે. ટી. અખાણી, વેસ્‍ટ ઝોન કલ્‍ચરલ સેન્‍ટરના ડાયરેકટર શ્રી ફુરકાન ખાન, આસિસ્‍ટન્‍ટ કલેક્ટર શ્રી અરૂણા મહેશ બાબુર, અધિક નિવાસી કલેક્ટર શ્રી રમેશ મેરજા કલેક્ટર શ્રી રમેશ મેરજા તથા જિલ્‍લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સંગીત પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

Back to Top